સુરત,તા. ૧૫
રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે કોરોના વાયરસના આવી સેન્ટર એવા સુરતમાં પાલિકા દ્વારા નવરાત્રી અને દિવાળીમાં કોરોના સંક્રમણ વધવાના ભય સાથે મોટી ચેતવણી જાહેર કરી છે. સુરતના અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં ચાર જ પરિવારમા વીસ કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. ઘણા દિવસો બાદ એક જ સોસાયટી અને એક જ પરિવારમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં એકત્ર થશે તો નવરાત્રી અને દિવાળી માં સંક્રમણ વધવાની ચેતવણી પાલિકાએ ઉચ્ચારી છે. રાંદેર ઝોનમાં કોરોનાના કેસ નિયંત્રણમાં રાખવા પાલિકા છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહી છે.

કૃષ્ણકુંજ સોસાયટીમાં કોરોનાના કેસની સંખ્યા વધુ હોવાની ફરિયાદ મળતાં પાલિકાએ ધન્વંતરી રથ મુકી રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરી હતી. સોસાયટીના રહીશોને રેપીડ ટેસ્ટ કરવામાં આવતા ફક્ત ચાર જ ઘરમાં વીસ વ્યક્તિ સંક્રમિત જોવા મળી હતી. પાલિકા તાત્કાલીક અસરથી સોસાયટીના તમામ રહીશોને ખાસ તકેદારી લેવા સૂચના આપી છે. કોરોના પોઝિટિવ આવેલા મોટાભાગના લોકો નજીકના મંદિરે જતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આગામી દિવસોમાં નવરાત્રી માટે ભેગા થવાનું વિચારતા લોકો માટે આ દાખલો આંખ ઉઘાડનારો છે. પાલિકાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી દરમિયાન લોકો - મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળે. લોકો મોટી સંખ્યામાં ભેગા થશે તો સંક્રમણ વધશે. થોડા દિવસોમાં શિયાળો શરૂ થશે જેથી એક તરફ કોરોના અને બીજી તરફ ઋતુજન્ય રોગો એવા બંને સ્થિતિ એક સાથે ઉભી થશે.