ઓનલાઈન શિક્ષણની ચિંતામાં રવિવારે પાંડેસરા વિસ્તારની ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ફોનના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, ઓનલાઈન અભ્યાસને લઈ ચિંતિત વિદ્યાર્થીની હતી. એટલું જ નહીં, અભ્યાસમાં વિદ્યાર્થીની કમજોર હતી. પીએમ બાદ વિદ્યાર્થીનીની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે પાંડેસરા ખાતેના ક્રિષ્ણાનગરમાં રહેતી આકાંક્ષા શિવશંકર તિવારી (ઉં.વ.૧૪) ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી.

દરમિયાન રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં તેણીની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આકાંક્ષાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પાંડેસરા પોલીસ જણાવી રહી છે. મૃતક આકાંશાના પિતા શિવશંકર મૂળ યૂપી, ફૈજાબાદના વતની છે. તેમને સંતાનમાં બીજી બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. આકાંક્ષાના અણધાર્યા પગલાંથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મૃતક આકાંશાના પિતા શિવશંકર તિવારીએ જણાવ્યું હતું કે, અભ્યાસના મુદ્દે તેણીને શાળામાંથી ફોન આવતો હતો. દરમિયાન શનિવાર આકાંશા શાળાએ ગઈ હતી. જયાં તેણીને ઓનલાઈન ક્લાસ બાબતે પુછવામાં આવ્યું હતું. આકાંક્ષાએ ફોન પિતા પાસે રહેતો હોય ભણવામાં ધ્યાન નહીં આપી શકાતું હોવાનું કહ્યું હતું. મોબાઈલ ફોનના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા નાસીપાસ થઈ જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.