અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પૂર્વ અમદાવાદના સત્યમનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પ્રકાશ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનને પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાં આવેલો ૨૫૦૦ કિલો ઘઉંનો જથ્થો આરોપીઓ દ્વારા સગેવગે કરાય તે પહેલાં જઝોન ૫ ક્વોડે અનાજના જથ્થા સાથે ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક તરફ સસ્તા અનાજની દુકાનમાંથી રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોનું સસ્તું અનાજ બારોબાર વેચીને કૌભાંડ આચરી રહ્યા છે. જો કે પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરાતા જાગૃત નાગરિક દ્વારા ઝોન ૫ સ્કવોડને અનાજની હેરાફેરીની બાતમી આપવામાં આવી હતી. જે આધારે ઝોન ૫ સ્કવોડ દ્વારા આ અનાજ જે વાહનમાં સગેવગે કરવામાં આવતું હતું તે વાહનને ઝડપી ત્રણ આરોપીઓની અટકાયત કરી ઓઢવ પોલીસને સોંપવામાં આવ્યા છે. ઝોન ૫ ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સંદીપ જૈન ૨ થી વધુ સસ્તા અનાજની દુકાનોના પરવાના ધરાવે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સંદીપ જૈન વર્ષોથી તેની સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરી રહ્યો છે. પણ સંદીપ જૈનની પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે અધિકારીઓ પણ સંદીપ જૈન સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે છાવરતા હતા. જોકે જાગૃત નાગરિકની બાતમી આધારે ઝોન ૫ ક્વોડની ટીમે આરોપીઓને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.